સંકટમાં ફસાઈ જોનની ફિલ્મ પરમાણુ

 Kutch Uday

જોન અબ્રાહમ ‘મદ્રાસ કેફે’ અને ‘પરમાણુઃ ધ સ્ટોરી ઓફ પોખરણ’ જેવા ગંભીર મુદ્દા પર બનેલી ફિલ્મ જેટલી સરળતાથી કરે છે એટલી જ સહજતાથી ‘વેલકમ બેક’, ‘ઢિશૂમ’ અને ‘ફોર્સ’ જેવી મસાલા ફિલ્મ પણ કરી શકે છે. કરિયરની પહેલી ફિલ્મ ‘જિસ્મ’ માટે સર્વશ્રેષ્ઠ નવોદિત અભિનેતાનો ફિલ્મ ફેર એવોર્ડ મેળવ્યા છતાં પણ ‘ધૂમ’માં તેના નેગેટિવ રોલને છોડીને કોઇ અન્ય ભૂમિકામાં તે અેટલો પ્રભાવિત કરી શક્યો નથી.

તેની ‘સાયા’, ‘પાપ’, ‘એતબાર’, ‘એલાન’ અને ‘ગોલ’ જેવી ફિલ્મો કંઇ ખાસ કમાલ ન કરી શકી. જોને જે મલ્ટિસ્ટારર ફિલ્મોમાં કામ કર્યું તેમાંથી મોટા ભાગે બોક્સ ઓફિસ પર ઠીકઠાક પ્રદર્શન કરવામાં સફળ રહી. નિરાશ જોને ફિલ્મ નિર્માણમાં આવવાનું નક્કી કર્યું તો તેણે કોમર્શિયલી સેફ ફિલ્મોથી અલગ ‘વિકી ડોનર’, ‘મદ્રાસ કેફે’ અને ‘પરમાણુઃ ધ સ્ટોરી ઓફ પોખરણ’ જેવી રિયલ ફિલ્મો બનાવવાનું વધુ પસંદ કર્યું.

તેની ફિલ્મ ‘વિકી ડોનર’ રાષ્ટ્રીય એવોર્ડથી નવાજાઇ. તે અત્યાર સુધી ઘણા એવોર્ડ જીતી ચૂકી છે. બોલિવૂડમાં તેની ઉપલબ્ધિઓ માટે રાજીવ ગાંધી એવોર્ડ, સેક્સીએસ્ટ એશિયન મેન, લાયન્સ ક્લબ એવોર્ડ અને મોસ્ટ સ્ટાઇલિસ્ટ મેન વગેરે પણ શામેલ છે. ઉલ્લેખનીય છે કે જોન અબ્રાહમ આવનારા સમયમાં ‘રોમિયો અકબર વોલ્ટર’ તથા ‘સત્યમેવ જયતે’ જેવી ફિલ્મોમાં મહત્ત્વના રોલમાં જોવા મળશે.

‘પરમાણુઃ ધ સ્ટોરી ઓફ પોખરણ’ જોન અને નિર્માતા પ્રેરણા અરોરાએ સાથે મળીને બનાવી છે. પ્રેરણાનો આક્ષેપ છે કે જોને તેને સાથે દગો કર્યો છે. તેનું કહેવું છે કે ફિલ્મમાં સંગીત નથી કે કોઇ મોટો સ્ટાર નથી તો પણ ફિલ્મનું બજેટ ૩૫ કરોડ પાર પહોંચી ગયું, જે તેની સમજની બહાર છે. જોને પોતાની માર્કેટ પ્રાઇસથી ડબલ ૧૩ કરોડની પ્રાઇસ ખાતામાં નાખી છે, જેને તે ખોટું માને છે. તેનું કહેવું છે કે જોનની સોલો ફિલ્મ હોવાના કારણે આ ફિલ્મ વેચવી લગભગ અશક્ય થઇ ચૂકી છે. આ ફિલ્મ વેચાઇ ન શકવાના કારણે વારંવાર તેની રિલીઝ ટળતી જાય છે. તે જોન સાથે મળીને કામ કરવાની વાતને પોતાની જિંદગીની મોટી ભૂલ માને છે.