વાર્ષિક ૧૮ લાખ સુધીની આવક અને ૨૧૦૦ સ્કવેર ફૂટના ફલેટની ખરીદીમાં પીએમ આવાસ યોજનાનો લાભ મળશે

 Abtak Media

વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત સબસિડીનો લાભ મેળવવા પાત્ર મકાનોના કાર્પેટ એરિયામાં ૩૩ ટકા જેટલો વધારો

મોટું ઘર ખરીદવા ઈચ્છતા લોકો માટે વ્યાજ સબસિડીનો વિકલ્પ ખુલ્યો

જો તમારી વાર્ષિક આવક રૂ.૧૮ લાખ સુધી હોય અને તમને ત્રણ અવા ચાર બેડરૂમવાળો ૨૧૦૦ ચોરસ ફૂટનો ફલેટ અવા ઘર ખરીદવા માંગો છો તો હવે રૂ.૨.૫ લાખની વ્યાજ સબસીડી તમને પણ મળશે. મોદી સરકારે હવે નવું મોટુ ઘર ખરીદવા ઈચ્છતા લોકો માટે પણ સબસીડીનો વિકલ્પ આપ્યો છે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા મધ્યમ આવાસ સમૂહ (એમઆઈજી) માટે વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત વ્યાજ સબસીડીનો લાભ મેળવવા પાત્ર મકાનોના કાર્પેટ એરીયામાં ૩૩ ટકા જેટલો વધારો કર્યો છે.

મોદી સરકાર વર્ષ ૨૦૨૦ સુધીમાં ૧ કરોડ આવાસ નિર્માણનો ટાર્ગેટ રાખ્યો છે. લોકોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા મોદી સરકાર પોતાના વચન અનુસાર પ્રયત્નશીલ છે. મોદી સરકારની ક્રેડીટ લીંક સબસીડી યોજના હેઠળ એમઆઈજી-૧ કેટેગરીના મકાન ખરીદનારાઓને રૂ.૨.૩૫ લાખ અને એમઆઈજી-૨ કેટેગરીના મકાન ખરીદનારને રૂ.૨.૩૦ લાખની સબસીડીનો ફાયદો થાય છે.

ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં વડાપ્રધાન આવાસ યોજના એવા લોકો માટે લાગુ કરાઈ હતી. જેમની વાર્ષિક આવક ૬ થી ૧૨ લાખ રૂપિયા હોય અને બીજી શ્રેણીમાં ૧૨ થી ૧૮ લાખ રૂપિયા વાર્ષિક આવક ધરાવતા હોય જે પૈકી ૬ થી ૧૨ લાખ વાર્ષિક આવક ધરાવતા લોકોને સરકારે એમઆઈજી-૧ કેટેગરીમાં રાખ્યા હતા. આ લોકો લોન દ્વારા ઘર ખરીદે તો તેમની લોનની કુલ રકમના ૯ લાખ રૂપિયા પર જે પણ વ્યાજ લાગશે તે પૈકી ૪ ટકા વ્યાજ સરકાર સબસીડીના રૂપમાં આપશે.

આજ રીતે બીજી શ્રેણીના લોકો જો લોન લઈને મકાન ખરીદે તો ૧૨ લાખ રૂપિયા સુધીની રકમના વ્યાજ પર ૩ ટકા વ્યાજ સબસીડી રૂપે સરકાર ચૂકવશે. હવે નવા નિયમ મુજબ વાર્ષિક ૬ થી ૧૨ લાખ આવક ધરાવતા એમઆઈજી-૧ કેટેગરીના લોકો ૧૬૦ ચો.મી. (૧૭૨૨ ચોરસ ફૂટ)નો ફલેટ કે ઘર ખરીદી પર આ સબસીડી મેળવી શકશે. જયારે ૧૨ થી ૧૮ લાખ સુધીની આવક ધરાવતા એમઆઈજી-૨ કેટેગરીના લોકો હવે ૨૦૦ ચો.મી. (૨૧૫૩ ચોરસ ફૂટ)નો ફલેટ ખરીદીને પણ આ યોજનાનો લાભ મેળવી શકશે.

અહીં ઉલ્લેખનીય છે કે, દેશમાં મકાન સસ્તા કરવા એફએસઆઈ વધારવા તેમજ વ્યાજ સબસીડી આપવા સહિતના પગલા મોદી સરકારે લીધા છે. લોકોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે મોદી સરકાર ૧ કરોડ મકાનો આવાસ યોજના હેઠળ બાંધવાનો લક્ષ્યાંક ધરાવે છે.