(એજન્સી) મુંબઈ, તા.૧ર
રાહુલ ગાંધીએ આજે વડાપ્રધાન મોદી ઉપર તેજાબી હુમલો કરતા કહ્યું મોદી પણ નીરવ મોદી, લલિત મોદી અને વિજય માલ્યાની જેમ ભાગી જશે. જ્યારે નીરવ મોદી ભાગી શકે છે, માલ્યા ૯૦૦૦ કરોડ લઈ ભાગી શકે છે, લલિત મોદી ભાગી શકે છે તો વડાપ્રધાન મોદી પણ ભાગી શકે છે. રાહુલે કહ્યું અમારો પક્ષ દેશને જોડવા કટિબદ્ધ છે. ભાજપની કર્ણાટકમાં હાર થઈ. હવે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ હાર થશે. કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો ર૦૧૯ની સામાન્ય ચૂંટણીઓમાં એમને હાર આપશે.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હાલ હોસ્પિટલમાં છે, રાહુલ ગાંધીએ ભાજપના નેતાઓ ઉપર આક્ષેપો મૂક્યા કે એમણે વાજપેયીની મુલાકાત લીધી નથી, પણ જ્યારે મને ખબર પડી હું પહોંચી ગયો હતો. વાજપેયીએ અમારા દેશ માટે કાર્ય કર્યું હતું અમે એમનું આદર કરીએ છીએ. આ અમારી સંસ્કૃતિ છે. એમણે કહ્યું કે, અડવાણીજી મોદીના ગુરૂ છે, પણ મેં એવા અનેક પ્રસંગો જોયા છે જ્યારે વડાપ્રધાન મોદી પોતાના ગુરૂનું આદર નથી કરતા. આ બાબત હું દુઃખનો અનુભવ કરું છું.