‘મેક ઈન ઈન્ડિયા’ સાઈકલ ખરીદનારને કોર્પોરેશન આપશે રૂ.૧ હજારની સબસિડી

 Abtak Media
the-corporation-will-provide-a-subsidy-of-rs-1000-to-the-buyer-of-'make-in-india'-cycle
the-corporation-will-provide-a-subsidy-of-rs-1000-to-the-buyer-of-‘make-in-india’-cycle

વહેલા તે પહેલાનાં ધોરણે પ્રથમ ૧૦ હજાર લાભાર્થીઓને સાયકલ પ્રમોશન યોજનાનો લાભ મળશે

શહેરમાં વધતા જતા પ્રદુષણને ઘટાડવા સાયકલ શેરીંગ પ્રોજેકટનો વ્યાપ વધારવા માટે આજે મહાપાલિકાનાં જનરલ બોર્ડમાં સાયકલ પ્રમોશન પ્રોજેકટ મંજુર કરવા માટે રજુ કરાયેલી અરજન્ટ બિઝનેસ દરખાસ્તને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. મેક ઈન ઈન્ડિયાની સાયકલ ખરીદનાર વ્યકિતને કોર્પોરેશન દ્વારા રૂા.૧ હજારની સબસીડી આપવામાં આવશે. વહેલા તે પહેલાનાં ધોરણે પ્રથમ ૧૦ હજાર લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. આ યોજનાનો લાભ કુટુંબદીઠ એક વ્યકિતને મળશે. એકથી વધુ અરજી આવશે તો તેને રદ કરવામાં આવશે.

આ યોજનાનો લાભ લેવા માટે સાયકલની ખરીદીનું જીએસટી સહિતનું બીલ, ચેસીસ નંબરની વિગતો અરજી ફોર્મમાં જરૂરી આધાર-પુરાવા સાથે રજુ કરવાનું રહેશે. સાયકલનાં ટાયરની સાઈઝ ૨૪ ઈંચ કે તેથી વધુની હોવી જોઈએ. નાના ટાયરવાળી ટ્રાયસીકલ માટે આ યોજનાનો લાભ મળશે નહીં. અરજી કરનારે આધારકાર્ડ, રેશનકાર્ડ, બેંકોની વિગતો અને કેન્સલ કરેલો ચેક આપવાનો રહેશે. અરજીની સાથે સાયકલ ખરીદીનાં જીએસટીવાળુ ડુપ્લીકેટ બીલ અથવા ઝેરોક્ષ પર સાયકલ એજન્સીનાં સંચાલકનાં સહી-સિકકા મારવાના રહેશે. સાયકલ મેક ઈન ઈન્ડિયા હશે તો જ યોજનાનો લાભ મળશે. યોજનાનો લાભ એવા વ્યકિતને જ મળશે જે રાજકોટ મહાપાલિકાની હદમાં વસવાટ કરતો હોય. આ યોજના અંતર્ગત રૂા.૧ હજારની સબસીડી અરજદારનાં બેંક ખાતામાં જમા કરવામાં આવશે. અન્ય કોઈપણ રીતે રોકડમાં ચુકવવામાં આવશે નહીં. યોજનાનો લાભ કુટુંબદીઠ એક જ વ્યકિતને મળશે. વહેલા તે પહેલાનાં ધોરણે પ્રથમ ૧૦,૦૦૦ લાભાર્થીઓને આ પ્રમોશન યોજનાનો લાભ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ નાણાકીય વર્ષનાં બજેટમાં જ આ અંગે જોગવાઈ કરવામાં આવી હતી. વર્ષનાં આરંભનાં ૫ મહિના બાદ હવે યોજનાની અમલવારી કરાશે.