મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુરૂવારથી ગુજરાત સરકારની ત્રિદિવસીય ચિન્તન શિબિરનો પ્રારંભ થશે

 Abtak Media

મંત્રીશ્રીઓ-વરિષ્ઠ સચિવશ્રીઓ-સનદી અધિકારીઓ સૌના સાથ સૌના વિકાસની પ્રતિબદ્ધતા પાર પાડવા સામૂહિક ચિંતન કરશે 

વિવિધ વિષયો પર જૂથ ચર્ચા

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ, તથા વરિષ્ઠ સચિવશ્રીઓ-વહિવટી સનદી અધિકારીઓની ચિંતન શિબિર આવતીકાલ ગુરૂવાર તા.૭ જૂનથી ૯ જૂન સુધી વડોદરામાં GSFC સંકૂલ પરિસરમાં યોજાશે.

આ ત્રિદિવસીય શિબિરનો ગુરૂવાર તા. ૭ જૂને સવારે મુખ્યમંત્રીશ્રીના પ્રેરક સંબોધનથી પ્રારંભ થશે ત્યાર બાદ તા. આઠમી અને ૯મી જૂનના દિવસો દરમિયાન વિવિધ વિષયો પરના પેનલ ડિસ્કશન અને જૂથ ચર્ચા સત્રો યોજવામાં આવ્યા છે.

આ ચિંતન શિબિરમાં શહેરી વહીવટના પડકારો, કૃષિ વિકાસની તકો, જાહેર આરોગ્યમાં માતા બાળ-મૃત્યુ દર ઘટાડો, કુપોષણ સમસ્યા, આંતરમાળખાકીય સુવિધા વિસ્તાર વિષયક ચર્ચાસત્રો ઉપરાંત ગ્રામ વિકાસ, પ્રાથમિક શિક્ષણ ગુણવત્તા સુધારણા વગેરે બાબતે ચર્ચા સત્રો યોજાવાના છે.

સરકારી કામગીરી પ્રક્રિયાને રિસ્પોન્સીવ, ડિસીસીવ, ટ્રાન્સપેરન્ટ અને વિજીલન્ટ બનાવવા માટેના ચર્ચા સત્રોનો પણ શિબિરમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

વહેલી સવારે યોગ અભ્યાસથી શિબિરનો પ્રારંભ થશે અને ૯મી જૂને શિબિરના સમાપન વેળાએ મુખ્યમંત્રીશ્રીના હસ્તે શ્રેષ્ઠ કલેકટર, જિલ્લા વિકાસ અધિકારીઓને ઇનામોથી પુરસ્કૃત કરાશે.

મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રી, મંત્રીશ્રીઓ અને મુખ્ય સચિવથી લઇને પ્રોબેશનરી-તાલીમી આઇ.એ.એસ અધિકારીઓ સુધીની કક્ષાના ર૦૦ ઉપરાંત શિબિરાર્થીઓ રાજ્ય વહીવટમાં સુશાસન-ગુડ ગર્વનન્સ અને જન અપેક્ષા-આકાંક્ષા પૂર્તિ માટેનું સામૂહિક ચિંતન-મનન આ શિબિરમાં કરવાના છે.