‘મંદિર વહી બનાયેગે’નાં સુત્રોચ્ચાર સાથે રાજકોટમાં વિમાન હાઈજેક કરવાનો થયો હતો પ્રયાસ

 Abtak Media

રસિકભાઈ ઉનડકટ અને વિનોદભાઈ કટારીયા સહિતનાં ભાજપનાં આગેવાનોએ અડવાણીજીને જેલમુકત કરવાની માંગ સાથે વિમાન રોકવાનો પ્રયાસ કરતા બંનેની ધરપકડ થઈ હતી

અયોઘ્યામાં રામમંદિર બને તે માટે ભાજપનાં તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ દેશનાં પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી દ્વારા દેશભરમાં યાત્રા કાઢવામાં આવી હતી જે અંતર્ગત અડવાણીની ધરપકડ કરી લેવામાં આવી હતી ત્યારે મંદિર વહી બનાયેગેનાં સુત્રોચ્ચાર સાથે ભાજપનાં નિડર આગેવાન રસિકભાઈ ઉનડકટ અને વિનુભાઈ કટારીયા દ્વારા વિમાન હાઈજેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઘટનાથી દેશભરમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો.બંનેની ધરપકડ પણ કરવામાં આવી હતી.

રામજન્મભૂમિ એવા અયોઘ્યામાં રામમંદિર બનાવવા માટે લાલકૃષ્ણ અડવાણી દ્વારા આજથી અઢી દાયકા પૂર્વે દેશભરમાં યાત્રા યોજવામાં આવી હતી જેને દેશમાં સ્વયંભુ જબરી સફળતા મળી હતી. ઉતરપ્રદેશ સરકાર દ્વારા અડવાણી સહિત સંતો-મહંતો અને આગેવાનોની ધરપકડ કરવામાં આવી હતી. તમામને જેલમુકત કરાવવા માટે દેશભરનાં કારસેવકોએ ઉગ્ર આંદોલનો ચલાવ્યા હતા તે સમયે વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ ઉનડકટ અને તાલુકા યુવા ભાજપ પ્રમુખ વિનોદભાઈ કટારીયાએ રાજકોટથી મુંબઈ જતા પ્લેનને હાઈજેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપનાં બંને આગેવાનોએ આ ફલાઈટની ટીકીટ પણ બુક કરાવી હતી. કેસરી ઝભ્ભામાં કમળનાં નિશાન સાથે બંને સિકયોરીટી પ્રક્રિયામાંથી પસાર થયા હતા અને મુંબઈ જનારા પ્લેનમાં ઉતારુ તરીકે ચઢયા હતા. વિમાન ઉડવાનાં ૫ મિનિટ પૂર્વે જ બંને નેતાઓ વિમાનની આડા સુઈ ગયા હતા અને વિમાનને ન ઉડવા દેવાનાં પ્રયાસો કરી હાઈજેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તાત્કાલિક અસરથી બંનેની ધરપકડ કરી લેવામાં આવી હતી. બંનેની ધરપકડ થતાની સાથે જ એરપોર્ટ પર આવેલા ભાજપનાં ૫૦થી વધુ કાર્યકરોએ કસમ રામ કી ખાતે હૈ, મંદીર વહી બનાયેગે, ભારત માતા કી જયનાં ગગનભેદી નારા સાથે વાતાવરણ ગુંજવી દીધું હતું. આજે અયોઘ્યામાં વિવાદિત જમીન પર રામમંદિર બનાવવા માટે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે ત્યારે અઢી દાયકા જુની આ ઘટના અંગે સ્વ.રસિકભાઈ અનડકટનાં પુત્ર કેયુરભાઈ અનડકટે અબતક સાથે સંસ્મરણો વાગોળ્યા હતા અને પોતાના પિતાનું વર્ષો જુનું સ્વપ્નું જાણે સાકાર થયું હોય તેવો અનુભવ આજે તે કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું.