(એજન્સી) ભોપાલ, તા.૧૨
આદ્યાત્મિક નેતા ગણાતા ભૈયુજી મહારાજે ઇન્દોરમાં પોતાના ઘરે જ પોતાના માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ અહેવાલથી હજારો લોકો સ્તબ્ધ થઇ ગયા છે. ઇન્દોર પોલીસ અનુસાર ભૈયુજીએ પોતાના માથામાં ગોળી મારી હતી, દરમિયાન ભૈયુજી મહારાજની સ્યુસાઇડ નોટ સામે આવી છે જેનાથી સ્પષ્ટ થાય છે કે, ભૈયુજી મહારાજ ઘણા તણાવમાં હતા અને આજ કારણે તેમણે આત્મહત્યા કરી હોઇ શકે. સ્યુસાઇડ નોટ અંગ્રેજીમાં લખાઇ હતી જેમાં કહેવાયું હતું કે, ‘ કોઇએ ત્યાં પરિવારની દેખરેખ માટે હોવું જોઇએ, હું જઇ રહ્યો છું, ઘણો તણાવમાં હતો અને પરેશાન હતો.’ આઇજી મકરંદ દેવસ્કરે કહ્યું કે, સ્યુસાઇડ નોટ અને પિસ્ટલનો કબજે લઇ લેવાયા છે, તમામ પાસાઓને ધ્યાનમાં રાખી તપાસ કરવામાં આવશે. પરિવારના સભ્યો સાથે પણ પૂછપરછ કરવામાં આવશે.
ડીઆજી હરિનારાયણ મિશ્રાએ જણાવ્યું હતું કે, અમે સ્યુસાઇડ નોટ કબજે કરી લીધી છે આમાં તેમણે માનસિક તણાવનો ઉલ્લેખ કર્યો છે પરંતુ તણાવના કારણ હજુ સ્પષ્ટ થઇ શક્યા નથી અને અમે હાલ આ અંગે તપાસ કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે, ભૈયુજીને ગોળી વાગતા તેમને ઇન્દોરની બોમ્બે હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. તેઓ એકમાત્ર એવા આદ્યાત્મિક નેતા હતા જેમને મધ્યપ્રદેશ સરકારે રાજ્યસભાના સાંસદનો દરજ્જો આપ્યો હતો પરંતુ તેમણે કાર કે અન્ય સવલતો મેળવવાનો ઇન્કાર કરી દીધો હતો. આઇજી દેવસ્કરે સ્યુસાઇડ નોટની વધારે વિગતોઆપવાનો ઇન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે આ તપાસનો ભાગ હોવાથી વધુ વિગતો આપી શકાય તેમ નથી. આ દરમિયાન મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભૈયુજી મહારાજના મોત અંગે ખેદ વ્યક્ત કર્યો હતો. ચૌહાણે કહ્યું કે, ભૈયુજી મહારાજને મારી શ્રદ્ધાંજલિ છે. આપણા દેશે આજે એક સંસ્કૃતિના સંગમ સમાન, જ્ઞાની અને નિઃસ્વાર્થ સેવા કરનારી વ્યક્તિ ગુમાવી દીધી છે તેમ શિવરાજે જણાવ્યું હતું. જ્યારે એવા સમાચારો વહેતા થયા કે પૂર્વ મોડેલ ડિપ્રેશનમાં હતા ત્યારે તેમના પ્રશંસકો હોસ્પિટલ બહાર એકઠા થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, ભૈયુજી મહારાજે પ્રથમ પત્નીના મોત બાદ બીજા લગ્ન કર્યા હતા.

ભૈયુજી મહારાજનાં મોત મામલે કોંગ્રેસની CBI તપાસની માગ

(એજન્સી) ભોપાલ, તા.૧૨
જાણીતા આદ્યાત્મિક ગુરૂ અને સામાજિક કાર્યકર્તા ભૈયુજી મહારાજની કથિત આત્મહત્યા મામલે કોંગ્રેસ પાર્ટીએ સીબીઆઇ તપાસની માગ કરી છે. કોંગ્રેસ પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વવાળી મધ્યપ્રદેશ સરકાર ભૈયુજી પર સુવિધા લાદીને સમર્થન આપવા માટે દબાણ લાવી રહી હતી. આના કારણે ભૈયુજી મહારાજ માનસિક તણાવમાં ચાલી રહ્યા હતા. કોંગ્રેસના નેતા માનક અગ્રવાલે જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશ સરકાર સુવિધાઓ આપીને સમર્થન માટે દબાણ લાવી રહી હતી જેને તેઓએ સ્વીકાર કરવાનો ઇન્કાર કરી દીધો હતો. ભૈયુજી આદ્યાત્મિક માનસિક તણાવમાં ચાલી રહ્યા હતા. આ સમગ્ર પ્રકરણની સીબીઆઇ તપાસ કરાવવી જોઇએ. મધ્યપ્રદેશ કોંગ્રેસે પણ ભૈયુજીના મોત અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. કોંગ્રેસે ટિ્‌વટમાં લખ્યું છે કે, ભૈયુજી મહારાજના નિધનને કારણે કોંગ્રેસને દુઃખ છે. ભૈયુજી મહારાજે સમાજના દરેક વર્ગ માટે કામ કર્યું છે. તેમના આત્માને શાંતિ મળે.