ભારત વિરોધી ટ્વિટ કરનાર શાહિદ આફ્રિદીને મધુર ભંડારકરે આપ્યો જોરદાર જવાબ

 Kutch Uday

પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ જમ્મુ-કાશ્મીરને લઇને ચિંતા વ્યક્ત કરતા ટ્વિટ કર્યું હતું. ટ્વિટમાં શાહિદ આફ્રિદીએ કહ્યું હતું કે, અહીં આઝાદી માટે અવાજ ઉઠાવનારાઓને ગોળી મારવામાં આવે છે. આફ્રિદીનાં આ ટ્વિનો જવાબ બોલિવુડ ફિલ્મ મેકર મધુર ભંડારકરે આપ્યો છે. ઉલ્લેખનીય છે કે રવિવારે ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં આતંક વિરોધી અભિયાન હેઠળ 13 આંતકીઓને ઠાર માર્યા હતા. આ ઘટના બાદ પાકિસ્તાનનાં પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ મરનારા આતંકીઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી હતી. શાહિદ આફ્રિદીએ ટ્વિટમાં લખ્યું હતું, ‘ભારત અધિકૃત કાશ્મીરની સ્થિતિ ચિંતાજનક છે. અહીં આઝાદી માટે અવાજ ઉઠાવતા લોકોને દમનકારી શાસન દ્વારા મારી નાંખવામાં આવે છે. હું ચકિત છું કે સંયુક્ત રાષ્ટ્ર અને બીજા આંતરરાષ્ટ્રીય સંગઠનો ક્યાં છે? તેઓ આ લોહીયાળ સંઘર્ષને રોકવા કેમ કંઇ કરતા નથી?’

મધુર ભંડારકરે આ ટ્વિટનો જવાબ આપતા કહ્યું કે, ‘જૂઠા અને ખોટા પ્રચારની જાળમાં ના ફસાઇ જાવ શાહિદ આફ્રિદી. ઇન્ડિયન ઑથોરિટી્સ તેમની જવાબદારીઓ સારી રીતે નિભાવી રહી છે. પાકિસ્તાને તેની દખલઅંદાજી અને આતંકી ગતિવિધિઓ રોકવાની જરૂર છે. આતંકને સમર્થન આપવાને લઇને પાકિસ્તાનની નિંદા પહેલા જ થઇ ચુકી છે.’

મધુર ભંડારકર સિવાય ગૌતમ ગંભીર અને જાવેદ અખ્તરે પણ શાહિદ અફ્રિદીને ફટકાર લગાવી હતી.

ઉલ્લેખનીય છે કે આફ્રિદી આ પહેલા પણ ઘણી વખત કાશ્મીરનો મુદ્દો ઉઠાવી ચુક્યો છે. ગત વર્ષે પણ તેણે આવું જ ટ્વિટ કર્યું હતું. ત્યારે આફ્રિદીએ કહ્યું હતું કે, ‘કાશ્મીર છેલ્લા ઘણા વર્ષોથી ક્રુરતાનું શિકાર બન્યું છે. હવે સમય આવી ગયો છે કે આ મુદ્દાનું નિરાકરણ લાવવામાં આવે જેણે ઘણા લોકોનો ભોગ લીધો છે.’ અન્ય એક ટ્વિટમાં તેણે લખ્યું હતું કે, ‘કાશ્મીર ધરતી પર સ્વર્ગ છે અને આપણે નિર્દોષોનાં અવાજને અવગણી રહ્યા છે.’