ભાજપ ‘પાણી’માં: પ્રજાનો પ્રશ્ન ઉઠાવનાર કોંગી કોર્પોરેટરોની બોર્ડમાંથી હકાલપટ્ટી

 Abtak Media
the-corporation-will-provide-a-subsidy-of-rs-1000-to-the-buyer-of-'make-in-india'-cycle
the-corporation-will-provide-a-subsidy-of-rs-1000-to-the-buyer-of-‘make-in-india’-cycle

ભારે વરસાદનાં ૩ દિવસ બાદ પણ સ્માર્ટ સિટીની હાલત ગામડાથી બદતર: અનેક વિસ્તારો હજી પાણી-પાણી: ડ્રેનેજનાં પાણી લોકોનાં ઘરમાં: રાજમાર્ગોની હાલત મગરની પીઠ જેવી: પ્રિ-મોનસુન એકશન પ્લાનની ચર્ચાની માંગ સાથે કોંગ્રેસનો જનરલ બોર્ડમાં હંગામો: ધરણા યોજી રામધુન બોલાવી: સભાગૃહમાં બેનરો ફરકાવ્યા

મેયર બીનાબેન આચાર્યનાં આદેશ બાદ વિરોધ પક્ષનાં નેતા વશરામ સાગઠિયા, ઉપનેતા મનસુખ કાલરીયા, સ્ટેન્ડિંગ સભ્ય ઘનશ્યામસિંહ જાડેજા સહિતનાં કોંગ્રેસનાં કોર્પોરેટરોને પોલીસે ટીંગાટોળી કરી સભાગૃહની બહાર કાઢયા: તમામ દરખાસ્તો સર્વાનુમતે મંજુર

પ્રશ્નોતરીકાળ ફરી એક વખત વેડફાયો: ૭૨ પ્રશ્નો પૈકી એકમાત્ર મનિષ રાડીયાનાં પાણી વિતરણ વ્યવસ્થા અંગેનાં પ્રશ્નમાં એક કલાક ટાઈમપાસ

શહેરમાં ગત શુક્રવારે મધરાતથી શનિવાર બપોર સુધીમાં પડેલા ૧૫ ઈંચ જેટલા ભારે વરસાદ બાદ આજે મેઘવિરામનાં ૩જા દિવસે પણ કહેવાતા સ્માર્ટસિટી રાજકોટની હાલત ગામડાથી પણ બદતર થઈ ગઈ છે. ડ્રેનેજનાં ગંધાતા પાણી લોકોનાં ઘરમાં પાછા ફરી રહ્યા છે. અનેક વિસ્તારો હજી પાણીમાં ગરકાવ છે. રાજમાર્ગોની હાલત મગરની પીઠ જેવી છે. આવા પ્રજાલક્ષી પ્રશ્નો તથા પ્રિ-મોનસુન એકશન પ્લાનની ચર્ચા જનરલ બોર્ડમાં કરવાની કોંગ્રેસની માંગણીનો આજે ભાજપનાં શાસકોએ જોહુકમીથી ઉલાળીયો કરી દીધો હતો અને મેયર બીનાબેન આચાર્યનાં આદેશ બાદ સભાગૃહમાંથી વિરોધ પક્ષનાં નેતા વશરામભાઈ સાગઠીયા સહિતનાં કોંગ્રેસનાં કોર્પોરેટરોની હકાલપટ્ટી કરવામાં આવી હતી. દર વખતની માફક આ વખતે પણ બોર્ડનો પ્રશ્નોતરીકાળ પ્રજાને સીધી અસરકર્તા પ્રશ્નોની ચર્ચા કરવાનાં બદલે ખોટા હંગામામાં વેડફાય ગયો હતો. ૭૨ પ્રશ્નો હોવા છતાં માત્ર એક પ્રશ્ર્નની ચર્ચામાં એક કલાકનો સમય પસાર કરી દેવામાં આવ્યો હતો.

કોર્પોરેશનનો આજે સવારે મેયર બીનાબેન આચાર્યનાં અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડની બેઠક મળી હતી જેમાં પ્રશ્નોતરીકાળમાં સૌપ્રથમ ભાજપનાં કોર્પોરેટર અને બાંધકામ સમિતિનાં ચેરમેન મનિષભાઈ રાડીયાનાં વોટર વર્કસ શાખાને લગતાં પ્રશ્ર્ન અંગે ચર્ચા શરૂ થઈ હતી. કોંગી કોર્પોરેટરોએ એવી માંગણી કરી હતી કે, શહેરમાં ગત સપ્તાહે પડેલા ભારે વરસાદ બાદ આજે ત્રીજા દિવસે પણ અનેક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરેલા છે. ડ્રેનેજનાં પાણી લોકોનાં ઘરમાં ઘુસી રહ્યા છે. રાજમાર્ગોની હાલત ખખડધજ થઈ ગઈ છે ત્યારે પ્રિ-મોનસુન એકશન પ્લાન અંગે ચર્ચા કરવામાં આવે તેવી માંગણી કરી હતી જે માંગણીનો સભા અધ્યક્ષ મેયરે ઈન્કાર કરતા કોંગ્રેસનાં કોર્પોરેટરોએ સભાગૃહમાં બેનરો પર ફરકાવ્યા હતા. શહેરની વર્તમાન સ્થિતિની ચર્ચા કરવાની માંગણી સાથે કોંગી કોર્પોરેટરો વેલ સુધી ધસી ગયા હતા. અનેક કોર્પોરેટરોએ પોતાનાં સ્થાન પર માઈક પછાડી વિરોધ દર્શાવ્યો હતો છતાં જનરલ બોર્ડમાં પાણી વિતરણ અંગેનાં પ્રશ્ર્નની ચર્ચા ચાલુ રાખવામાં આવતા વિરોધ પક્ષનાં નેતા વશરામભાઈ સાગઠીયા, ઉપનેતા મનસુખ કાલરીયા, પૂર્વ નેતા ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણી, સ્ટેન્ડિંગ કમિટીનાં સભ્ય ઘનશ્યામસિંહ જાડેજા સહિતનાં કોંગી કોર્પોરેટરો સભાગૃહમાં ધરણા પર બેસી ગયા હતા અને રામધુન બોલાવવા લાગ્યા હતા.

સભા અધ્યક્ષ મેયર બીનાબેન આચાર્યનાં આદેશ બાદ પોલીસ અને ફાયર બ્રિગેડનાં માર્શલોએ કોંગી કોર્પોરેટરોની સભાગૃહમાંથી ટીંગાટોળી કરી બહાર કાઢયા હતા. આ વેળાએ એ ડિવીઝન પોલીસ સ્ટેશનનાં

પી.આઈ.જાડેજા અને કોંગી કોર્પોરેટર નિલેશ મારૂ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ જવા પામી હતી. મહિલા પોલીસે પણ કોંગ્રેસનાં મહિલા નગરસેવકોને બાવડા પકડીને સભાગૃહમાંથી બહાર કાઢયા હતા. કોંગ્રેસનાં નગરસેવકો એવું કહી રહ્યા છે કે, જનરલ બોર્ડમાં શહેરની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવાને બદલે ભાજપનાં શાસકોએ મુળ પ્રશ્ર્ન અંગે ચર્ચાઓ ચાલુ રાખતા તેઓએ જનરલ બોર્ડમાંથી વોકઆઉટ કર્યું છે તો સામાપક્ષે મેયર બીનાબેન આચાર્ય તથા પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજે જણાવ્યું હતું કે, સભા અધ્યક્ષની વારંવાર તાકીદ કરવા છતાં જનરલ બોર્ડમાં હંગામો મચાવનાર કોંગી કોર્પોરેટરોની હકાલપટ્ટી કરવામાં આવી છે. કોંગી કોર્પોરેટરોની હકાલપટ્ટી બાદ ભાજપે ઔપચારીકતા પુરતું જનરલ બોર્ડ ચલાવ્યું હતું. બોર્ડમાં મંજુરી અર્થે રજુ કરવામાં આવેલી આઠ દરખાસ્તો ઉપરાંત ૩ અરજન્ટ બિઝનેસ દરખાસ્ત, સાઈકલ પ્રમોશન પ્રોજેકટ, રેસકોર્સ સ્થિત ગ્રાસ હોકી ગ્રાઉન્ડ તથા ફુટબોલ ગ્રાઉન્ડ ભાડે આપવા માટે શરતો અને દર નકકી કરવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી જયારે કેન્દ્ર સરકારને ૩૭૦ની કલમ દુર કરવા બદલ અભિનંદન આપતો ઠરાવ પણ પસાર કરાયો છે.

મવડી ઓવરબ્રિજનાં નામકરણ સામે આહીર સમાજનાં ૬ કોર્પોરેટરોનો વિરોધ

શહેરનાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર મવડી ચોકડી ખાતે બનેલા ઓવરબ્રિજનું અટલ બિહારી વાજપાઈ બ્રિજ નામકરણ કરવા અંગે આજે જનરલ બોર્ડમાં દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. મવડી બ્રિજનાં નામકરણ સામે કોંગ્રેસમાંથી ચુંટાયેલા આહિર સમાજનાં ૬ નગરસેવકો જાગૃતિબેન ડાંગર, માસુમબેન હેરભા, નિલેશભાઈ મારૂ, પારૂલબેન ડેર, રસિલાબેન ગરૈયા અને વિજયભાઈ વાંકે વિરોધ દર્શાવતા બેનરો પણ સભાગૃહમાં દેખાડવામાં આવ્યા હતા. બોર્ડ પૂર્ણ થયા પછી જાગૃતિબેન ડાંગરે વોર્ડ નં.૧૩માં લાયબ્રેરીનાં મુદ્દે મહાત્મા ગાંધી તથા સ્વામિ વિવેકાનંદનાં પુસ્તકો મેયર, મ્યુનિ.કમિશનર અને ડે.મેયરને આપી વિરોધ દર્શાવ્યો હતો.