(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૧૧
શહેરનાં જેતલપુર રોડ પર આવેલ ઇન્ડીયા બુલ્સ મોલમાં આવેલી ઓનલાઇન ડિલીવરી કંપનીમાં કર્મચારી દ્વારા જ રૂા.૨૬.૧૮ લાખની ચોરી કરવામાં આવી હતી. આ બનાવ અંગે ગોત્રી પોલીસે ગુનો નોંધી કર્મચારીની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર ઓનલાઇન કન્ઝયુમર કંપનીની પ્રોડકટને હોમ ડિલીવરી કરતી ઇન્સ્ટાકાર્ટ સર્વિસીસ પ્રા.લી. કંપની જેતલપુર રોડ પર ઇન્ડીયા બુલ્સ મોલમાં આવેલી છે. આ કંપની કેસઓન ડિલીવરી કરીને ગત શનિવાર અને રવિવારનાં દિવસની લગભગ ૨૬.૧૮ લાખ જેટલી રોકડ રકમ ઓફિસમાં મોકલી હતી. રાત્રીનાં સમયે સફળતાપૂર્વક ઓફિસનું તાળુ ખોલી રૂા.૨૬.૧૮ લાખની રોકડ રકમની ચોરી થઇ હતી. આ બનાવ અંગે કંપનીનાં અધિકારીએ ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કરતાં ઓફિસના સીસી ટીવીનું મોડ્યુલર પણ ચોરી થવા પામ્યું હતું. સમગ્ર મામલે પોલીસે ઓફિસનાં તમામ કર્મચારીઓની પુછપરછ કરતાં એક કર્મચારીનો ફોન બંધ આવતો હતો. જેનું નામ સંજય કહાર છે. જ્યારે ઓફિસમાં ચોરી કોઇ જાણભેદુંએ કરી હોવાની જાણ તથા પોલીસે સંજય કહારની શોધખોળ હાથ ધરી છે. આ કર્મચારીએ જ પોતાના સાગરીતો સાથે ઓફિસમાં ચોરીને અંજામ આપ્યો હોવાનું પોલીસ માની રહી છે.