જેતપુરમાં કારખાનેદાર પાસેથી ખંડણી માંગનાર ગેંગનું જાહેરમાં સરઘસ કઢાયુ

 Abtak Media

જેતપુર શહેરની વિનાયક ફાયનાન્સ પેઢીએ શહેરના કેટલાક કારખાનેદારો, વેપારીઓ અને શહેરીજનોને ઉંચા વ્યાજે નાણા ધીરેલા તેમજ આજ પેઢીને કેટલાક કારખાનેદારોએ બે થી ત્રણ ટકા વ્યાજની લાલચે કરોડો રૂપિયા ફેરવવા માટે આપેલ તે વિનાયક ફાયનાન્સ ત્રણેક મહિના પહેલાં ઉઠી જતા તેનો સંચાલક શૈલેષ રામદેવપુત્રએ જે વેપારીઓ, કારખાનેદારો તેમજ અન્ય લોકોને વ્યાજે રૂપિયા આપ્યા હતા તે રૂપિયા કઢાવવા માટે પોરબંદરની ગેંગને હવાલો આપી દેતા આ ગેંગે જેતપુર શહેરમાં રીતસરનો આંતક મચાવ્યો અને જે પણ લોકોને વ્યાજે રૂપિયા આપ્યા હતા તેઓને થોરાડા ગામ સ્થીત એક ફાર્મ હાઉસે બોલાવી બોલાવી ધમકી મારી રૂપિયા કઢાવી લીધા.

પરંતુ જે વેપારીઓએ આ ફાયનાન્સ પેઢીને વ્યાજે રૂપિયા આપ્યા હતા તેવાં લોકો શૈલેષભાઈ પાસેથી વ્યાજે દીધેલ પૈસા પરત માંગવા લાગતા શૈલેષભાઈએ તેનો હવાલો પણ આ ગેંગને આપી દીધો હોવાથી આ ગેંગના રામા નાથા ખૂંટી તેમજ તેમના સાગરીતોએ  દોઢેક મહિના પૂર્વે એક કારખાનેદાર વસંતભાઈ ટોળીયા પર શહેરના સ્ટેન્ડ ચોક વિસ્તારમાં હુમલો કરીને નાશી ગયેલ અને થોડાક દિવસ બાદ આ ગેંગના રામા ખૂંટી, કુંતલ ઓડેદરા, રમેશ ખૂંટી અને વનરાજ કેશવાલા તેમજ બીજા આઠથી દસ અજાણ્યા શખ્સોએ જસ્મીના પ્રિન્ટ નામના સાડીના કારખાનેદાર વિનોદભાઇ ડોબરીયા પાસે અઢી કરોડ રૂપિયાની ખંડણી માંગેલ જેની ફરીયાદ સિટી પોલીસમાં થયા બાદ વેપારીઓમાં આ ગેંગ સામે ભારે રોષ ફેલાયો અને આ ગેંગથી રક્ષણ આપવા પોલીસ સમક્ષ ઉગ્ર માંગણી કરી જેના અનુશંધાને પોલીસ આરોપીઓને પકડવા પોરબંદર સહિતના આરોપીઓના ઠેકાણે છાપા માર્યા.

પરંતુ કોઇ આરોપી હાથ ન લાગ્યો અંતે ગતરોજ રાજકોટ જીઆઈડીસી પાસે શૈલેષભાઈ રામદેવપુત્ર તેમજ પોરબંદર ગેંગના રામદે જીવણ ગોરાણિયા રહે ગોરાણા અને અશોક કાંતીલાલ જોશી રહે પોરબંદર વાળાઓની ધરપકડ કરી જેતપુર લાવી આજે બપોરે ત્રણેય આરોપીઓનું શહેરના મુખ્ય માર્ગો પર સરઘસ કાઢવામાં આવ્યું હતું. જોકે પોરબંદર ગેંગના પકડાયેલા આ બંને  આરોપીઓ તો હિમશિલાની ટોચ સમાન એટલે કે સાવ નહીવત રોલવાળા છે મુખ્ય આરોપીઓ તો હજુ પોલીસ પકડથી જોજનો દૂર છે.