ચતુર કાગડાનેય કોયલ છેતરે !

 Abtak Media

કેરીની ઋતુમાં આંબાવાડિયામાં કોયલો ટહુકતી આપણે સાંભળીએ ત્યારે થાય છે કે આ આંબો ટહુક્યો કે કેરી ? નવાઇ લાગે તેવી કોયલ વિશેની થોડી વાતો જાણીએ- આ પંખી કદી ધરતી પર ઉતરતું નથી.

આ પંખી માળો બાંધતું નથી ! શિયાળામાં આ પંખીઓ મૂંગાં રહે છે પણ ઉનાળો આવતાં જ તેમના ટહુકા સંભળાવા લાગે છે – ‘કુઉ….કુઉ….કુઉ…..’ આ ગાન પર કોયલનું હોય છે.

માદા કોયલ ગાતી નથી. તે એક ડાળેથી બીજી ડાળે જતાં માત્ર તીણો ‘કિક….કિક….કિક’ અવાજ કરે છે. નર કોયલ ધીમા સાદે ‘કુઉ…’ ટુહકાથી ગાવાનું શરુ કરે છે, પછી એનો સૂર ઉંચે ને ઉંચે ચડતો જાય છે ને સાતમા કે આઠમા ટહુકામાં પરાકાષ્ઠાએ પહોંચે છે ને પછી ઓચિંતો બંધ થઇ જાય છે.

થાય કે કોયલ માળો બાંધતી નથી તો પછી ઇંડાંનું શું? કાગડો ચતુર પંખી તરીકે ઓળખાય છે, પણ કોયલ કાગડાને છેતરે છે ! કઇ રીતે ? કોયલ પોતાનાં ઇંડાં કાગડાના માળામાં મૂકી આવે છે ને કાગડી કોયલનાં ઇંડાંને પોતાનાં ઇંડા સમજીને સેવે છે અને બચ્ચાંને ઉછેરે છે. કોયલ એવી ઉસ્તાદ છે કે એ પોતાના ઇંડાંને એક કરતાં વધારે કાગડાના માળાઓમાં વહેંચી નાખે છે.