(એજન્સી) મુંબઇ, તા. ૧૨
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો ૨૦૧૯માં યોજાનારી સામાન્ય ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી ભાજપ)ને હરાવશે. મુંબઇમાં એક સભાને સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, આગામી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભા ચૂંંટણીઓમાં ભાજપના સૂપડાં સાફ થઇ જશે. કોંગ્રેસના અધ્યક્ષે જણાવ્યું હતું કે, ભાજપ તાજેતરમાં જ કર્ણાટકમાં હારી ગયો હતો અને ગુજરાતની ચૂંટણીમાં પોતાને બચાવી શક્યો હતો. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં તેમના સૂપડાં સાફ થઇ જશે અને ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો તેમને હરાવી દેશે. રાહુલ ગાંધીએ આ સાથે જ એવી પણ ટીપ્પણી કરી હતી કે, વડાપ્રધાન મોદી પોતાના ગુરૂ અને ભાજપના વરિષ્ઠ નેતા એલકે અડવાણીનું સન્માન નથી કરતા. તેમણે ઉમેર્યું હતું કે, એલકે અડવાણી વડાપ્રધાન મોદીને ગુરૂ છે પણ મેં ઘણા કાર્યક્રમોમાં જોયું છે કે, પીએમ મોદી તેમનું માન જાળવતા નથી. આજે મને અડવાણી માટે ઘણું દુઃખ થાય છે. કોંગ્રેસે મોદીજી કરતા તેમને વધુ સન્માન આપ્યું છે. રાહુલ ગાંધીએ પણ દાવો કર્યો હતો કે, ભાજપ અને રાષ્ટ્રીય સ્વયં સેવકની વિચારધારાને તેમની પાર્ટી હરાવી દેશે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, એક સીનિયર રાજકારણીએ મને કહ્યું હતું કે, તેઓ કોંગ્રેસ વિરૂદ્ધ ૫૦ વર્ષ સુધી લડી રહ્યા છે અને ૫૦ વર્ષ બાદ તેમને સમજાયું કે, જો દેશને સુરક્ષિત કરનારી કોઇ પાર્ટી હોય તો તે કોંગ્રેસ જ છે. ફક્ત કોંગ્રેસ જ ભાજપ અને આરએસએસની વિચારધારને હરાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધીની મહારાષ્ટ્રની પ્રથમ મુલાકાત છે.