આવાસ અપાવી દેવાની લાલચ આપતા લેભાગુઓથી ભરમાશો નહીં: પદાધીકારીઓ

 Abtak Media

જે અરજદારોને આવાસ નથી લાગ્યા તે બીજી આવાસ યોજના માટે ફોર્મ ભરી શકશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે વિજયદશમીના શુભ દિને સ્માર્ટ ઘર ૧-ર-૩ના આવાસોના ડ્રોના અનુસંધાને અમુક લે-ભાગુ તત્વ દ્વારા આવાસના ફોર્મ ભરનાર લાભાર્થીને રૂપિયા આપો તો તમોને આવાસ અપાવી દઈએ, તેવું જાણવા મળેલ હોઈ આવા કોઈ લે-ભાગુ તત્વોથી ભરમાવું નહિ.

મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, હાઉસિંગ કમિટી ચેરમેન જયાબેન ડાંગર એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે વિજયાદશમીના રોજ રાજયના માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે સ્માર્ટ ઘર ૧-ર-૩ના આવાસોનું નંબર ફાળવણી કોપ્યુટરાઈઝડ ડ્રો કરવામાં આવેલ. જે લાભાર્થીઓને આવાસ લાગેલ છે તેવા તમામ લાભાર્થીઓનું લિસ્ટ કોર્પોરેશનની વેબસાઈટ ઉપર, સેન્ટ્રલ ઝોન કચેરીએ નોટીસ બોર્ડ પર તથા લાભાર્થીઓના મોબાઈલમાં એસ.એમ.એસ. મારફત મેસેજ મોકલાવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવા આવાસો બની ગયેલ છે જેથી, જે લાભાર્થીઓને કવાર્ટર મળેલ નથી તેવા લાભાર્થીઓ ફરીને કોર્પોરેશન દ્વારા આવાસના ફોર્મ બહાર પડે ત્યારે આવાસ માટે ફોર્મ ભરી શકશે. ગઈકાલે કરવામાં આવાસ યોજનાના ડ્રોના અનુસંધાને અમુક લે-ભાગુ તત્વ દ્વારા તમોને આવાસ અપાવી દઈએ તે માટે રૂપિયા આપવા પડશે તેવું જાણવા મળેલ છે. કોર્પોરેશન દ્વારા લાભાર્થીઓની રૂબરૂ જ કોમ્પ્યુટરાઇઝડ ડ્રો કરેલ છે જેથી આવા લે-ભાગું તત્વોથી કોઈએ ભરમાવું નહિ.