આજે પણ પ્રવીણકાકાનું વ્યક્તિત્વ જીવંત અને વિચારો જ્વલંત

 Abtak Media

આજે પ્રવીણભાઈ મણીઆર ‘કાકા’ની તૃતીય પુણ્યતિથિ

શિક્ષણથી લઈ રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે પ્રવીણ કાકાએ લોકચેતના જગાવી: કલમ ૩૭૦ અને રામ મંદિર મુદ્દે પ્રવીણભાઈ મણીઆરે સ્થાનિકથી લઈ રાષ્ટ્રીયકક્ષાએ લડત ચલાવી હતી

* પ્રવીણ કાકાએ સંઘમાં પ્રાંત કાર્યવાહ અને પશ્ચિમ ક્ષેત્રનાં સંપર્ક પ્રમુખની વર્ષો સુધી જવાબદારી સંભાળી હતી.

* પ્રવીણ કાકાનું સમગ્ર જીવન સંઘનાં વિચારબીજનાં પ્રચાર-પ્રસાર ઉપરાંત શિક્ષણને સમર્પિત રહ્યું હતું.

* પ્રવીણ કાકાએ ભારતનાં અનેક ગામડાઓની મુલાકાત લઈ ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યનિષ્ઠ શિક્ષણનાં બીજ રોપ્યા હતા.

* ગુજરાતમાં આરએસએસનાં પાયાનાં પથ્થર અને પ્રચારકથી લઈ પ્રાંત કાર્યવાહક રહેનાર પ્રવીણ કાકાએ કલમ ૩૭૦ અને રામ મંદિર મુદ્દે લડત ચલાવેલી હતી

* પ્રવીણ કાકાએ અસંખ્ય રાજનીતિક કાર્યકરો, સ્વયંસેવકોને આરએસએસનાં વૈચારિક અને સાંસ્કૃતિક મૂલ્યોથી ઘડ્યા હતા

* પ્રવીણ કાકા પોતાના અંતિમ જીવનમાં રાજકારણ છોડી સમાજસેવા અને શિક્ષણ ક્ષેત્રમાં જોડાઈ ગયા હતા.

* પ્રવીણ કાકાએ રાજકોટને મેડિકલ, ફાર્મસી કોલેજ મળે તે માટે નિર્ણાયકની ભૂમિકા ભજવેલી હતી.

આજીવન સ્વયંસેવક અને કેળવણીકાર સ્વ. પ્રવીણભાઈ મણીઆર ’કાકા’ની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે તેમના પુત્ર અપૂર્વભાઈ મણીઆરે જણાવ્યું હતું કે, જન્મ અને મૃત્યુ શાશ્વત છે. કોઈ કેટલું જીવ્યું એ નહીં કેવું જીવ્યું એ યાદ રહે છે. આજે સ્મૃતિઓ સ્વરૂપે પ્રવીણ કાકા આપણા સૌ વચ્ચે જીવંત છે છતાં તેમના મૃત્યુનાં ત્રણ વર્ષ બાદ સૌને તેમની ન પૂરી શકાય તેવી ખોટ વર્તાઈ રહી છે. ખાસ કરીને એ સમયે જ્યારે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવામાં આવી છે અને અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. કલમ ૩૭૦ અને રામમંદિર મુદ્દે પિતા પ્રવીણભાઈ મણીઆરે સ્થાનિકથી લઈ રાષ્ટ્રીય કક્ષાએ લડત ચલાવેલી. આજે તેઓ જીવંત હોતા તો આ ઐતિહાસિક ક્ષણોનાં સાક્ષી બની ખૂબ ખુશ હોતા અને તેમના સાથીઓને તેમની મદદ-માર્ગદર્શન મળતા રહેતા પણ અફસોસ તેઓ દૈહિક સ્વરૂપે આપણી વચ્ચે ઉપસ્થિત નથી, તેમની સ્મૃતિઓ આજે પણ એટલી જ જીવંત છે, તેમના વિચારો આજે પણ એટલા જ જ્વલંત છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ અગ્રણી અને સૌ કોઈના માર્ગદર્શક-પથદર્શક સ્વ. પ્રવીણભાઈ મણીઆર કાકાનું વૈચારિક વ્યક્તિત્વ અને અસ્તિત્વ સાશ્વત બની ચૂક્યું છે. તેઓ આજીવન આરએસએસનાં સ્વયંસેવક અને સમાજસેવકની ભૂમિકામાં સ્વ માટે નહીં સર્વ માટે જીવ્યા હતા. આરએસએસને સમર્પિત પ્રવીણ કાકાને સમકાલીન સંઘ પ્રમુખ પરમપૂજ્ય ગુરુજી, બાળાસાહેબ દેવરસજી, રજ્જુભૈયા, સુદર્શનજી, મોહનજી ભાગવતથી લઈ અટલબિહારી બાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, મુરલીમનોહર જોષી સહિતનાં નેતાઓ સાથે નિકટનો સંબંધ હતો. ગુજરાતમાં ચીમનભાઈ શુક્લ, કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, કાશીરામ રાણાની સાથે મળી અસંખ્ય રાજનીતિક કાર્યકરો, સ્વયંસેવકોને પ્રવીણ કાકાએ આરએસએસનાં વૈચારિક અને સાંસ્કૃતિક મૂલ્યોથી ઘડ્યા છે એ કોણ ભૂલી શકશે? આજથી બે દસક અગાઉ વીવીપી એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના બાદ તેઓ રાજકીય પ્રવાહથી દૂર રહ્યા હતા અને શિક્ષણ તથા સમાજસેવાને પોતાનો જીવનમંત્ર બનાવ્યો હતો. સમાજસેવા અને શિક્ષણનાં માધ્યમથી ઘણા લોકો રાજકારણમાં જોડતા હોય છે પરંતુ પ્રવીણ કાકાએ રાજકારણ છોડી સમાજસેવા અને શિક્ષણ ક્ષેત્રમાં પોતાનું અંતિમ જીવન સમર્પિત કર્યું હતું.

પ્રવીણભાઈ મણિઆર વ્યવસાયે એડવોકેટ હતા તેમના પિતા રતિલાલ અભેચંદ મણિયાર રાજકોટના પ્રથમ મેયર અરવિંદભાઈ મણિઆરનાં નાના ભાઈ હતા. પ્રવીણભાઈ મણિઆર વર્ષોથી કાકાના હુલામણા નામની ઓળખ ધરાવે છે. તેઓએ ૧૯૫૩-૫૪ની સાલમાં આરએસએસમાં જોડાઈને દેશ સેવાની પ્રવૃત્તિ શરૂ કરી હતી. પ્રવીણ કાકાએ સંઘમાં પ્રાંત કાર્યવાહ અને પશ્ચિમ ક્ષેત્રનાં સંપર્ક પ્રમુખની વર્ષો સુધી જવાબદારી સંભાળી હતી. રાજકોટમાંથી દર જન્માષ્ટમીએ નીકળતી શોભાયાત્રા ૧૯૮૬ની સાલથી પ્રવીણભાઈના માર્ગદર્શન હેઠળ નીકળતી હતી. પ્રવીણભાઈનું સમગ્ર જીવન સંઘનાં વિચારબીજનાં પ્રચાર-પ્રસાર ઉપરાંત શિક્ષણને સમર્પિત રહ્યું હતું. સંઘનાં એક સામાન્ય કાર્યકરથી લઈ શ્રેષ્ઠ પ્રાંત કાર્યવાહકની સફરમાં તેઓએ અનેક ગામડાઓની મુલાકાત લઈ ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યનિષ્ઠ શિક્ષણનાં બીજ રોપ્યા હતા. તેઓની દેશભક્તિ, સામાજીક જવાબદારી, શિસ્તતા, સ્વચ્છતા, સમય સંચાલન, સંગઠન શક્તિ વગેરે ગુણો ઘણા બધા લોકોનાં જીવન જીવવાનો બોધપાઠ બન્યા છે. ગુજરાતમાં આરએસએસનાં પાયાનાં પથ્થર અને પ્રચારકથી લઈ પ્રાંત કાર્યવાહક સુધી રહેનાર પ્રવીણભાઈએ પોતાનું જીવન સંઘને સાંકળીને શિક્ષણને સમર્પિત કર્યું હતું. સમાજસેવા સાથોસાથ કેળવણી ક્ષેત્રે છેલ્લા શ્વાસ સુધી સક્રિય રહી શૈક્ષણિક અને સામાજિક સેવાનું દ્રષ્ટાંત આપનાર પ્રવીણભાઈ મણીઆર સૌ માટે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડનારું વ્યક્તિત્વ હતું, છે અને રહેશે.

૩૦ વર્ષ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય રહેલા પ્રવીણ કાકાએ કે.જી.થી પી.જી સુધીના સંસ્કારલક્ષી મૂલ્યનિષ્ઠ શિક્ષણમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તેઓ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ(શિશુ મંદિર)ના પ્રમુખ, વીવીપી એન્જિનિયરિંગ-આર્કિટેક્ટ તેમજ પ્લાનિંગ ઓફ આર્કિટેક્ચરના પ્રમુખ, પીડીએમ બી.એડ.કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ વિવિધ સામાજિક, સેવાકીય સંગઠનો સાથે જોડાયેલા હતા. સૌરાષ્ટ્રમાં ઇજનેરી શિક્ષણના ફેલાવામાં પણ એમનું અમૂલ્ય યોગદાન રહ્યું હતું. રાજકોટને મેડિકલ, ફાર્મસી કોલેજ મળે તે માટે તેઓ નિર્ણાયકની ભૂમિકામાં રહી ચૂકેલા છે. આજે તેઓની વિદાય બાદ સામાજ સેવા અને શિક્ષણ સેવાની જવાબદારી ઉઠાવી રહેલાં તેમનાં પુત્ર અને સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં ચેરમેન અપૂર્ણભાઈ મણીઆરે પિતા પ્રવીણભાઈ કાકાનાં તૃતીય પુણ્યતિથિ નિમિત્તે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

‘અબતક ચાય પે ચર્ચા’માં પ્રવિણકાકા સાથે થયેલ વાર્તાલાપનું યાદગાર સંભારણું