અયોઘ્યા ચુકાદાને ઠેર-ઠેર આવકાર: ભાઈચારો જાળવી રાખવાની હિમાયત

 Abtak Media

સુપ્રીમ કોર્ટનાં ઐતિહાસિક ચુકાદાને સર્વેએ શીરોમાન્ય ગણાવ્યો: વર્ષોથી ચાલતા વિવાદનો અંત આવતા હવે શાંતીપૂર્ણ માહોલમાં દેશનાં વિકાસમાં ફાળો આપવાની અપીલ કરતા અગ્રણીઓ

અયોઘ્યાની વિવાદિત જમીનનાં કેસનો આજે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે જેમાં આ વિવાદિત જમીન ઉપર મંદિર બનાવવા સરકારને છુટ આપી દેવામાં આવી છે. ઉપરાંત અયોઘ્યામાં જ અન્ય સ્થળે મસ્જિદ માટે ૫ એકર જમીન ફાળવવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે.

છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવતા અયોઘ્યા કેસનાં વિવાદનો આજે સુપ્રીમ કોર્ટનાં ચુકાદાથી અંત આવ્યો છે. આ ચુકાદાને રાજકોટનાં વિવિધ ક્ષેત્રોનાં અગ્રણીઓએ શીરોમાન્ય ગણાવીને ભાઈચારો જાળવી રાખવાની હિમાયત કરી હતી. ઉપરાંત એકતા જાળવીને દેશનાં વિકાસમાં સહભાગી બનવાની સર્વે અગ્રણીઓએ જાહેર અપીલ કરી છે.

નાત-જાતનાં ભેદભાવો ભુલીને દેશભાવનાને પ્રાધાન્ય આપવું જોઈએ: હબીબભાઈ કટારીયા

સદર જુમા મસ્જીદનાં વાઈસ પ્રેસિડેન્ટ હબીબભાઈ કટારીયાએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ એ સૌથી ઉપર છે. કોર્ટ દ્વારા દેશહિતમાં બંને પક્ષકારોને ધ્યાને રાખીને તટસ્થતાથી કાયદા મુજબ ચુકાદો આપવામાં આવ્યો છે. વર્ષોથી ચાલતા આ વિવાદનો અંત આવ્યો છે. મંદિર અને મસ્જિદ દેશમાં અસંખ્ય છે માટે લોકોએ વર્ષોથી ચાલી આવતી ભાવનાને કાયમ રાખવી જરૂરી છે. સર્વે લોકોએ નાત-જાતનાં ભેદભાવો ભુલીને દેશભાવનાને પ્રાધાન્ય આપીને દેશ આગળ ધપતો રહે તે રીતે કાર્ય કરતું રહેવું જોઈએ. ઉપરાંત સર્વેને રોજગારી મળતી રહે તેમજ પ્રવર્તમાન પ્રશ્ર્નોનાં નિરાકરણ થાય તે જરૂરી છે.

ધર્મ અને કાયદાનો સંયુકત વિજય: કમલેશ શાહ

એડવોકેટ કમલેશ શાહે જણાવ્યું હતું કે, વર્ષોથી અયોઘ્યા કેસ મુદ્દે અંધાધુંધી ફેલાઈ રહી હતી. લોકોની ભાવના હતી કે આ વિવાદો અટકે અને વિશ્ર્વાસ હતો કે આ મામલે કોઈને કોઈ રસ્તો નિકળશે આ વિશ્ર્વાસ અને ભાવનાનો વિજય થયો છે તેમજ ધર્મ અને કાયદાનો પણ વિજય થયો છે. રામમંદિર બનાવવાનો આદેશ કાયદાથી મળ્યો છે જેમાં આક્ષેપને કોઈ અવકાશ નથી. દેશવાસીઓને નવા વર્ષે મળેલી આ રામમંદિરની ભેટ સદીઓ સુધી યાદ રહેવાની છે.

મંદિર અને મસ્જિદ બંને બનશે, વિવાદોનો અંત: રાજુ જુંજા

સામાજીક અગ્રણી રાજુભાઈ જુંજાએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો આવકાર્ય છે. કોઈપણ જાતનાં વિવાદ વગર કે કોઈપણ સમાજને દુ:ખ ન પહોંચે તે રીતે સુપ્રીમ કોર્ટે મંદીર અને મસ્જિદ બંને બનાવવાનો ચુકાદો આપ્યો છે. રામમંદિર તેની જ જગ્યાએ બનવાનું છે જયારે મસ્જિદ પણ અન્ય જગ્યાએ બનવાની છે માટે તમામ સમુદાયો માટે આ ચુકાદો મહત્વપૂર્ણ રહ્યો છે. ઘણા સમયથી લોકલાગણી હતી કે, આ પ્રશ્ર્નનું નિરાકરણ આવે અને અંતે આજે આ પ્રશ્ર્ન હલ થયો છે.

૪૯૯ વર્ષનાં વિવાદ અને ૧૩૨ વર્ષનાં લિટીગેશનનો અંત: ડો.જોશીપુરા

સર્વોચ્ચ અદાલતની ન્યાયપ્રિયતા અને પ્રજાકિય આકાંક્ષાનો પડઘો પડયો છે. કેન્દ્ર સરકારની સંપૂર્ણ બંધારણીય પ્રતિબઘ્ધતા અને બંધારવાદ પરત્વે નિષ્ઠાનું શ્રેષ્ઠ ઉદાહરણ મળ્યું છે. ભારતની પ્રજાની પરિપકવતા અને સંયમનાં દર્શન થયા છે. ૪૯૯ વર્ષ જુના વિવાદ અને ૧૩૨ વર્ષનાં લીટીગેશનનો આજે અંત આવ્યો છે.

અમન અને શાંતી બની રહે તે જરૂરી: અશોકભાઈ ડાંગર

શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે તે શીરોમાન્ય છે. દેશમાં અમન અને શાંતી બની રહે તે જરૂરી છે. ઘણા વર્ષો બાદ અયોઘ્યા કેસનો આજે ચુકાદો આવ્યો છે જેનેે તમામ કોમ્યુનીટીએ આવકાર્યો છે. આ ચુકાદો સુપ્રીમ કોર્ટની બેંચે તમામ પુરાવાઓ અને હકિકતોને ધ્યાનમાં લઈને તટસ્થતાથી આપ્યો છે. હવે સરકાર વહેલી તકે મંદિર બંધાવવાની કાર્યવાહી હાથ ધરે તે જરૂરી છે.

રામ તત્વોનો વિજય: અભયભાઇ ભારદ્વાજ

અયોઘ્યામાં રામજન્મ ભૂમિ અને બાબરી મસ્જીદ મુદ્દે ચાલતા લાંબા કાનુની જંગનો સુપ્રિમના ચુકાદાને પગલે અંત આવ્યો છે. જે મામલે લો-કમિશ્નરના પૂર્વ મેમ્બર અને સીનીયર ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજે જણાવ્યું કે રામ તત્વોનો વિજય થયો છે અને ગુલામી નિશાની જેવી કે મોગલ સ્લતનતે અને અંગ્રેજોએ બનાવેલા ઢાંચાઓ દુર કરવા તેમજ તેઓએ સ્વૈચ્છીક રીતે જગ્યાઓ છોડી દેવા જોઇએ પ્રથમ વખત ભારત ખરા અર્થમાં સંવિધાન થયું છે.